Posted by: drmayuri on: June 13, 2009
Posted by: drmayuri on: June 2, 2012

ફૂલે ફૂલે સુગંધના ટશિયા અમથે-અમથા ફૂટી નીકળે..
વિચારોનાં વાયરે સંતાતી વસંત એમજ જો ઉગી નીકળે.
સરકતી નદીહવાની લહેરે .. સાગર ભણી નીકળે
ફાટેલી નોટનાં પાને પાને યાદ ભીની ઘણી નીકળે…
શબ્દ શબ્દ તોલવાની પ્રક્રિયા ઘણી કઠિન નીકળે
વરસે કદી જો આભ … ઇશારો આંખ ભણી નીકળે..
સંવેદનાઓ થાય બુઠઠી જ્યારે જ્યારે અણી નીકળે,
મુલાયમ સફરે ડગ માંડુ ને કાચ તણી કણી નીકળે.
Posted by: drmayuri on: June 2, 2012

તુ અષાઢી સાંજ હું મુશળધાર વરસાદ
તુ માટીની મહેક…હું મેઘધનુષી આભ..
તુ વહેતી નદી ને…, હું ઘૂઘવતો સાગર
તું વરસાદી વાયરો, હું ભીંજાતો પાલવ
તુ મીઠી વાંસળી…,હું રાધા તણું ગીત
તુ ઝરમર ઝાપટુ ને હું મયુરની પ્રીત
તુ ફુલની ફોરમ ને હુ પર્ણની લીલાશ
તુ ઉર્મિ છલછલ…. હું કોમળ આભાસ
તુ લીલી ધરા ને…હું મોજીલું વાદળ…
તું વીજળીના હસ્તાક્ષર,હું ભીનો કાગળ
તુ ચોમાસી શમણુ ને હુ બારમાસી કિનારો
બારે મેઘ સાક્ષીએ છે પરિણય તારો મારો.
Posted by: drmayuri on: June 2, 2012

આજ ઉભુ એ કપાયેલુ વૃક્ષ છુ
કંઈ નથી હવે ઠુઠુ ને શુષ્ક છુ..
ભલે ને રહ્યું હું શુષ્ક ઠુઠુ થડ
નથી ચડ્યા મને દંભ ના પડ
ચોમેર ફેલાયેલા છે લાખો મુળિયા
જાણે મારી જ ભીતર ઉંડે ઉતર્યા
ડાળીએ ડાળીએ પાંદડા ખીલવ્યા હતા
ક્ષણક્ષણમાં અસંખ્ય ટહુકા ભર્યા હતા
ફુલ ફળની તો વાત ના પુછશો…
મેઘધનુષીરંગો રગરગંમાં ઉતર્યા હતા
વાયરા થોભી ને ઘડીક મોજ કરતા
બાળપણની ગલીઓમા કલરવ કરતા
સમયના તાપમાં શેકાતા શેકાતા
સૌ સપના ઉડી ગયા ફરર કરતા
વરસી વરસીને મોં સુઝણા
મોસમે મોસમે ધોવાયો છુ
રહી ગયુ છેલ્લે બાકી જે …
આજ ઉભુ એ કપાયેલુ વૃક્ષ છુ
કંઈ નથી હવે ઠુઠુ ને શુષ્ક છુ..!
Posted by: drmayuri on: June 2, 2012

સહિયારા શમણા સાવ અટુલા થઈ ગયા..
વરસો ના સંબંધો જાણે લુલા થઈ ગયા…
હસતા રમતા જીવી જઈશુ એક્મેક્ની સાથે
ધીમે ધીમે સૌ ટહુકા સાવ સુના થઈ ગયા…
બારી-દરવાજા રહ્યા નહીં મકાનની દિવાલે
ચાર ભીંતોની વચ્ચે ખાલી ખુણા રહી ગયા…
સાથે રમશું,સાથે જમશું,ફરશું સાથે સાથે
ભીનીક્ષણના કાવ્યો લુખ્ખા કોરા થઈ ગયા..
સહિયારા શમણા સાવ અટુલા થઈ ગયા..
પીંછીના રંગો પળભર મા પુરા થઈ ગયા…
Posted by: drmayuri on: June 2, 2012

આ વરસાદ ને કહો સેજ પોરો ખાઈ ને આવે..!
આ મેઘો મંડાણો……ને…..
કોરી સૌ ક્ષણો સઘળી….એક સાથે વરસી રહી…
મારી અંદરનુ ચોમાસુ જ ગાળી રહ્યુ મને…..
આ વરસાદ ને કહો સેજ પોરો ખાઈ ને આવે….!
કોરી કલમ ને ભીનો કાગળ ..
જાણે વરસાદ પડે ને ગોતુ ઝાકળ….
ઝરમર ઝરમર ઉર્મિ નું મંડાણુ ચોમાસુ…
આ વરસાદ ને કહો સેજ પોરો ખાઈ ને આવે….!
આંખોમા ભરી વરસાદની ભીનાશ
જાણે વાદળાની વચ્ચે કોરી કિનાર …
ઝળહળ ઝળહળ આંસુ નુ મંડાણુ ચોમાસુ..
આ વરસાદ ને કહો સેજ પોરો ખાઈ ને આવે….
મારી અંદરનુ ચોમાસુ જ ગાળી રહ્યુ મને…..
આ વરસાદ ને કહો સેજ પોરો ખાઈ ને આવે….!
Posted by: drmayuri on: June 2, 2012

એક તરફ ચોમાસુને બીજી તરફ હું ….
સામસામા થઈ ગયા પછી તો શું કહુ….
ચોમાસુ વરસે ચાર માસ ને હુ વરસુ બારેમાસ
ભીંજાવુ હોય તરબતર તો યે કોરી કાં રહુ..?
કોરે કોરા કાવ્યોના અક્ષરે અક્ષર ભીના..
કુંપણો તાજી નહી ફુટે ક્ષણક્ષણમાં તારા વિના..
તુ વરસે ને લીલી ધરા…ફેલાવે મયુર પાંખ
હુ વરસુ તો જખ્મો લીલા …એને શું કહુ..?
એક તરફ ચોમાસુને બીજી તરફ હું ….
સામસામા થઈ ગયા પછી તો શું કહુ….!!!
Posted by: drmayuri on: June 2, 2012

પહેલા વરસાદમા કલમ ઝબોળી ને …
જાણે આખે આખી ભીંજાઉ….
…..એટલા કાવ્યો ઉમટ્યા…!
પણ જ્યા કાગળ પર વરસાવવા કલમ લીધી ….
ત્યાં તો વરસાદ ઉડન છુ……
હવે …….એની યાદ મા કાવ્યો લખાશે….!
Posted by: drmayuri on: November 7, 2011

શા માટે હુ ખાલી ક્ષણોને ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી છુ… એક ખાલીપો… અંદરથી કોરી ખાતો હતો ને જાણે જળો ની જેમ વળગી રહયો તો… નીચોવી રહ્યો હતો અનેક ક્ષણોને કે જેમાં છેવટે વધી રહેતું તે હતી નરી એકલતા… વિષાદ… વ્યથા… શા માટે હું આવું વિચારુ છું …?….ને ધ…બ જાણે વિચારોને બ્રેક લાગી ગઇ…
આજે સવાર થી મન અતિ ઉદાસ હતું… દરરોજ સવારે સૂરજ ઉગતો… સવાર ૫ડતી… બપોર થતી ને રાત્રિનાં અંધકાર માં એક દિવસ વધુ એકવાર ગરક થઇ જતો ક્યારેય પાછો નહીં ફરવા માટે… ને એ વ્યર્થ દિનની પીડા જાણે છાતી પર કાળમીંઢ પથ્થરની જેમ પડતી… ને ફરી એ જ એકલતા છવાઇ જતી… પહેલા તો આ પરિસ્થિતિ પર અત્યંત ગુસ્સો આવતો… રડવું પણ ધીમે ધીમે ગુસ્સો ને રુદન અંદર ઉંડે ઉંડે સમાતા જતા હતા. હવે જાણે કશાયમાં રસ નથી… દૂર દૂર મન અટકી ને ઊભું છે.. સ્વપ્ના નાં રાજકુમારની પ્રતિક્ષા કરવાની ઊંમર તો નહોતી પણ તોયે જીવનનો કારોભાર સંકેલી પ્રભુ ભજનની કે વૈરાગ્ય ની ય ઊંમર થવાને ખાસ્સી વાર હતી…
ત્રીસી માં પહોચેંલી કાયાની અંદર એક સ્વપ્નશીલ, ચંચળ અને સંવેદનોથી ભરપૂર વ્યક્તિત્વને અગ્નિદાહ અપાઇ ચૂક્યો હતો…
આમ જ વિચારતા-વિચારતા ગાડી સ્ટાર્ટ કરી ને ક્યારે હોસ્પિટલનાં કંપાઉન્ડમાં પ્રવેશી એનો ખ્યાલ સુદ્ધા ન રહ્યો… પંદર મિનિટનું અંતર જાણે બે ધ્યાન૫ણે કાપ્યું છતાં ….ક્ષણોને ભરવાની થાત… કંઇક યાદોથી..!!.પણ નસીબમાં કોરી ક્ષણો ઠોકાણી હોય તેની, ગાડી ય શું ઠોકાવાની હતી…
“અરે, ડો. અપર્ણા… હું તમને જ ગોતતી હતી… ચાલો ને ! મારા સગા નણંદ ની દીકરી ને કઈંક તકલિફ છે. સાતમો મહિનો ચાલ છે ને થોડીક વારે ચક્કર આવે છે તમે જરા પ્લીઝ જોઇ દો ને!” – રોજ કામમાં ગલ્લા તલ્લા કરતી આયા જસીબેનનો અવાજ સંભળાયો ને મે ઉતાવળ કરી… ત્યાં જ રસ્તામાં ‘હે રામ! હે રામ ની રેકોર્ડ ચાલતી શબવાહિની નીકળી ને મન ફરી ઉદાસ થઇ ગયુ… વળી કોકં મ્રુત્યુ… એની જીંદગી એણે જીવી હશે કે નહીં જીવી હોય… પોતાની મરજીથી કે મજબૂરીથી… ખેર વિચારોને ખંખેરતી ચાલી એક ડોકટરે પોતાની ડ્યુટી દરેક પરિસ્થિતિમાં બજાવવી પડતી હોય છે… જીંદગીની અંદર ગર્ભમાં મોતનેય લાડકું કરીને સમાવી રાખતી માતાઓને અતિ પીડિત અવસ્થામાં મ્રુત્યુથી અળગી કરીને બચાવવી… ગઇકાલે જ intrauterine foetal death નો કેસ આવેલો… ઓપરેશન પાર પાડ્યા પછીય એ જીવનનો આધાર ગોતતી એ માતાની આંખમાં મ્રુત્યુનો કાળો પડછાયો સ્પષ્ટ વર્તાતો …. ‘માં’ બનવાની હતી કદાચ માતા તો બની જ ગઇ હતી પણ એ સ્વપ્ન ય કુદરતને મંજૂર નહોતું ને… હવે શું એના કુટુંબીજનો રાખશે કે તેને આવી ભાંગેલ અવસ્થામાં છોડી દેશે… પ્રશ્ન ત્યાં ઉભો હતો કે તે તેનાં માવતર આવી હતી…. ખલ્લાસ! …રુઢિચૂસ્ત સમાજની એક અનોખી લીલા…!!
હું જસી ની પાછળ O.P.D. માં ચાલી નીકળી… છોકરીની તપાસ કરી… મારા કરતાં છ-સાત વર્ષ નાની પણ જાણે ચાલીશ ની આસપાસ પહોંચી હોય તેવી દેખાતી હતી… ‘બેન, આ પહેલું બાળક છે?’ મે પૂછ્યું
‘જો બેન – તારી હાલત અત્યંત ગંભીર છે… નબળાઇ ને કારણે ચક્કર આવે છે તું અહીં દાખલ થઇ જા… દવા લખું છું તે નિયમિત ચાલુ રાખજે… અને જસી આ નો લોહી-પેશાબનો રીપોર્ટ કરાવી મને બતાડી જા… કેટલા સમયથી ભગવાન જાણે આવી હાલત હશે!.., એને કંઇક સારું ખવડાવો… ચાર – ચાર કસુવાવડ ને ઉપરથી આ ક્ર્શકાયા… તુ એને દાખલ કરાવવાનો કેસ કઢાવી આવ ને રીપોર્ટ આવ્યે બતાડી જા પછી જોઉં છું આગળની ટ્રીટમેન્ટ’… એમ કહેતાંક ને હું ફટાફટ બહાર નીકળી… ડયુટી રુમમાં ખિન્ન હ્રદયે પહોંચી… આવું કંઇક જોતી ને મારું મન ઉદાસ થઇ જાતું…
શા માટે? શા માટે આટલું દુઃખ થાતું….?? ક્યારેક જાતે જ અલિપ્ત થઇ જતી આ બધાથી ને ક્યારેક મન એ કડણ માં ખૂંપી જતું… શા માટે આટલી પારાવાર વેદના…???
તમે તો બહુ sensitive ભાઇ… અહીં આવવાનું કામ કરવાનું ને પગાર લઇ જવાનું ઝાઝું નહી વિચારવાનું – એમ કહી ડો. માનસી એ બે અડધી ચા નો ઓર્ડર આપ્યો, જાણે વિસામો જ હતી મારા માટે… દિવસમાં પાંચ-દશ મિનિટ માટે મળતી પણ થોડીક ક્ષણો માટે હાસ્યની, બેફિકરાઇની ભેટ આપી જતી પણ તો યે તેની આંખમાં રુદન ને અસુરક્ષિતતા મને સ્પષ્ટ દેખાતા… એટલે જ ‘હા…હા’ હસીને રુમને ભરી દેતી કે તેનુ હાસ્ય તેનાં જ કાન સાંભળે ને મગજ ને સમજાવે કે ‘મારે હસવું છે’.. ને તેની હંમેશા સુંદર દેખાવાની ઘેલછા તેની અસુરક્ષિતતાની ચાડી ખાતી … રખે ને; એનો પતિ બીજામાં જીવ પરોવવા મંડે તો… ચા ની ચૂસકી લેતાં લેતાં વિચારતી’તી કે આટલી ઉની વરાળ ક્યાં અદ્રશ્ય થઇ જાય છે… મારા હ્રદય નો વરાપ પણ આમ ઉડીને અદ્રશ્ય થઇ ગયો.. ખાસ્સી પંદર મિનિટ વીતી ચૂકી હતી ડયુટી રુમમાં… ઉભા થઇ O.P.D. માં ગઇ… ઇન્ટર્ન ડોક્ટરો એ ઓ.પી.ડી. પતાવી દીધી હતી… એટલે હું લેબર રુમ તરફ વળી… ક્યાંય જીવન્.. ક્યાંક મ્રુત્યુ ક્યાંક પુત્ર રુપે સ્વપ્નો નો સાક્ષાત્કાર ને ક્યાંક વળી તકલીફ વધારતી બે – ત્રણ પુત્રી પર પુત્રી જન્મ ને વીલી કડવી મુદ્રા સાથે બેઠેલાં સાસુ ને પતિ…
ઓહ! ક્યારેક તો એટલો રોષ ચડતો એ લોકો પર કે … દીકરો શું દિ’ વાળવાનો છેં?.. તે દીકરાની લ્હાયમાં મા-બાપ ને મૂકી ને સાસુ-સસરાની સેવા કરતી વહુને અંતરમાં ડામ ધ્યો છો – ત્રીજી દીકરી જણી આણે તો – દીકરી નહીં જાણે પાપની પોટલી જણી!
રાઉન્ડ પૂરો થતાં બહાર નીકળી…
Dr.Mayuri Sanghvi
વેદના સંવેદના -૨
ગર્ભ નો અંધકાર અને ચિતા ની જ્વાળા
આ બંને માં છેવટે તો માણસ એકલો જ છે
તો પછી આ બંને ની વચ્ચે એ શાને રાચે છે
મૃગજળો નાં સંબંધો નાં બિલોરી મહેલ..?
ગર્ભ ની અંદરથી ચાલુ થયેલી યાત્રા નું અંતિમ લક્ષ્ય તો ચિતામાં વિલીન જ થઇ જવાનું છે …પણ આ બે બિંદુ વચ્ચેની યાત્રા જ સૌથી કઠીન છે …..જે ઘડી એ એનું સર્જન થયું ત્યારે જ માણસ ની સમાપ્તિ નિર્માણ થઇ હશે ..આ સર્જન અને સમાપ્તિ વચ્ચે ની સંવેદના ની સફર નો ક્યાય અંત નથી…..
આવું કદાચ દરેક નાં જીવનમાં લાગુ પડતું હશે.કોક શબ્દોમાં મૂર્તિમંત કરતુ હશે તો કોક સંગીત માં …તો કોક વળી સ્વપ્નોમાં …..ઓહ..! થોભવા સમય જ ક્યા છે ……?? સમય નાં દુષ્કાળ માં કવેળા મુશળધાર વરસતો માણસ ……અહી ઠેર ઠેર જોવા મળશે…..ઘેર સમય નથી કહી ને ભાગતો માણસ કોક અજાણ્યા ને જોઈ ને પલાળવા ઉભો રહે ત્યારે એ મુર્ખ ને શું કહેવું…માવઠા ની જેમ અતૃપ્ત ઘેર પાછો ફરશે….બીજા ને ભીંજવવાની લ્હાય માં ..પોતે તો કાયમ કોરોકટ .
દરરોજ સુરજ ઉગે ને લાગતું જાણે નવી સવાર નવો દિવસ લઇ આવી …પણ હવે દરેક નવી સવાર આવે ને ઝબકારો થાય વળી નવો દિવસ ..?..ફક્ત બદલાય છે તો ઘડિયાળ નો કાંટો…ને એય બાર કલાક પછી ત્યાંજ આવી ને ઉભો રહેશે હાસ્ય કરતો કે લો લેતા જાવ .. ફરી ફરી ને એ જ ઘટમાળ …હા ..! એક જ ઝાટકે બંધન તોડી ને નીકળી પડો..પણ પછી…..? એવી જ કોક નવી રોજીંદી ઘટમાળ….
જસીની જીંદગી પણ આ ઘડિયાળ નાં કાંટે રોજ એની એજ જગ્યા એ આવી ને પહોંચતી ..જાણે જીવન ઘડિયાળ નાં કાંટે ગોઠવાઈ ગયું હતું જ્યાં કોઈ ઊર્મિ ઓને અવકાશ નહોતો ..કે કદાચ એવું હશે કે ઊર્મિ ઓ ને ન અવકાશવા જીવન ઘડિયાળ નાં કાંટા માં પરોવી દીધું હશે …ઘટમાળ માં જ જીવ્યે રાખવાનું ….એને હું દશ વર્ષ થી આમજ જોતી આવતી હતી …..આવે ..પંદર વીસ મિનીટ વાતો નાં વડા કરે….. થોડું ઘણું કામ કરે ને વિચાર નાં વાયરે ચડી જાય….વળી કોક ટોકે ત્યારે કામ આગળ વધે …કામ પૂરું થાય નાં થાય ….ને જાવાનો સમય થઇ જાય…આમ હસમુખી પાછી ..ગામ આખાની ખબરી …..પણ ક્યારેક મણમણ નાં ભાર એની ચાલ માં વર્તાય આવે ત્યારે સમજી જવાનું કે આજે એની અંદર પુરબહાર વરસી રહ્યું છે ….કંઈક …! ઘણી વાર વિચાર આવતો આ કંઈક’ વિષે પૂછી લેવાનો ..પણ ક્યાંક ભીંજાઈ જાવાની બીકે પૂછવાનું ટાળી દેતી …….!
“અરે જસી ..આજ કાં કઈ બોલાતી નથી રોજ તો ગોકીરા નાં કર ત્યાં સુધી તો તારા કામ ની શરૂઆત થતી નથી ….”આમે ય જસી રોજ પંચાત કરવા પંદર વીસ મિનીટ વહેલી જ આવી જતી ….આજે તો નક્કી જ કર્યું કે આજે તો જસી નું જગત જોવું જ છે ને જસી ને અવાજ પાડ્યો …આવી ને ઉભી રહી ગઈ…
…..આજે પહેલી વાર ધ્યાન થી જોયું તો આંખો માં એની જાણે વરસો નો દુકાળ ખીલ્યો હતો..કોરી આંખો નું રુદન કેટલું કરુણ હશે તે આજે સમજાણું …જસી કદાચ મારી જ ઉમર ની હશે ..કદાચ બે ત્રણ વરસ નો ફરક હશે..પણ એના શરીર પર નાં ચરબી નાં થર તેના જીવન ની નિરસતા અને હતાશા સ્પષ્ટ વર્તાતા હતા ..આ તો જસી હતી ગરીબ પરિવાર ની અભણ સ્ત્રી ..પણ અધિકતમ સુશિક્ષિત યુવતી ઓ પરણીને ત્રણ ચાર વરસ માં એકાદ બાળક ને તેડી શરીર પર ચરબીનાં થર લઇ ને ફરતી જોઉં ત્યારે અચૂક તેના જીવન ની શુષ્કતા નજરે પડે …લગ્નનાં એકાદ બે વરસ તો પરીકથા ની જેમ નીકળી જાય ભણતર ગણતર બધું ગૌણ લાગે પ્રિયપાત્ર ની સામે ..પણ એ જ પ્રિયપાત્ર ની ખરી પાત્રતા ….ધીમે ધીમે અભાસ થાય ને શૂન્ય ઘેરાતું જાય ..ઘટમાળ માં…ઘડિયાળ ના ટકોરે..ને પરિણામ …શુષ્કતા …જાણે જાત પ્રત્યે….
“જસી શું થયું છે ..? આજ કેમ એટલી બધી ઉદાસ છો…?” વરસો નો સવાલ સાવ સાદા શબ્દોમાં મઠાર્યા વગર જ પૂછી લીધો.ત્રુટક ત્રુટક ખબર હતી પણ આજે તો નિરાકરણ જ કરવું હતું….જસી નો વર કમાતો નથી …રખડે છે એ ખબર હતી..પણ મારે તો જસી નું મન જાણવું હતું ….હજી મારા શબ્દો પુરા થાય ત્યાં તો એની અંદર ધરબાયેલું ચોમાસું છલકી નીકળું …વરસો નાં બંધ તોડી ને ધસમસી રહ્યા તા એના આંસુ …..”જસી શું છે વાત તો કર..”જસી …મૌન ….
બે ત્રણ ..ચાર…પાંચ …મિનીટ ……મારે તો ધીરજ જ ધરવાની હતી …જસી નું મૌન મને સમજાતું હતું કે કેટલો અવાજ હશે એની અંદર ફસાયેલો…એ મૌન તોડશે એની મને ખાતરી હતી ..મારો સ્વભાવ છે કે કોઈની અંગત બાબત માં માથું નહિ મારવાનું ને એમ લાગે કે મારા બોલવાથી સામે વ્યક્તિ નું ભારણ ઓછુ થઇ જાશે ..તો જરૂર એની વ્યથા ને વાચા અપાવું …મૌન ની ભાષા મારા સિવાય કોણ વધુ સારી રીતે સમજી શકે…
…….અને જસી આખરે બોલી ..”સાહેબ…આજે મેં ઘર છોડી દીધું છે…મેં સ્લમ વિસ્તાર માં ઓરડી ભાડે રાખી ….છોકરાવ ને ભેગા લઇ લીધા…આજે તો નીકળી જ ગયા..રોજ રોજ કકળાટ ..આટ આટલું નીચોવાણા પછી ય શાંતિ નહિ…..હવે સ્વમાનભેર જીવીશ ….ને છોકરાવ ને એ નર્ક થી દુર રાખીશ ….જસી નાં વરે જાણે કલગી માં ઉમેરો કર્યો હતો …શરાબ ની સાથે હવે વધુ આડા રસ્તા પસંદ કર્યા હતા ….જે કદાચ કોઈ સ્ત્રી નાં સાંખે …શરાબી પતિ તો હજી ય સાચવી લે ..પણ પરસ્ત્રી સાથે નાં સંબંધો ક્યારેય જીરવી નાં શકે…..આટલા ઢસરડા કરતી જસી ..નાનપણ થી જ દુખ નસીબ માં લઇ ને જન્મીતી ..નાનપણ માં બાપ મારી ગયેલો..માં સાસરિયાના ત્રાસ થી છુટવા કોક ની સાથે ભાગી ગયેલી ….ને આવડી આ જસી ને મૂકી ગયેલી જીવનભર દુખી થાવા….
” તો બરાબર છે ને દુખી શાને થાશ આટલી .તને તકલીફ હોય ત્યાં મને કેજે….”હું જસી ને સધિયારો આપતી તી પણ મનેય ખબર હતી કે આ શબ્દો તેના અંતરમન નાં ઘાવ ને નહોતા સાધી શકવાના ……દાદા દાદી ની જોડે મોટી થયેલી ..માં ભાગી ગયાનું ઝેર ઘૂંટડે ઘૂંટડે પી ને ….દિવસ રાત કાળી મજુરી કરાવતા ..બાબુ નાં સંપર્ક માં આવી ત્યારે લાગ્યું કે જાણે હવે સારા દિવસો એની વાટ જોવે છે ..ને કોક કાળ ચોઘડિયે બાબુ ભેગી હાલી નીકળી …ત્રણ ચાર મહિના તો ફિલમ ની વાર્તા ની જેમ પસાર થઇ ગયા ..પણ તેને ક્યાં ખબર હતી કે આ તો ભયંકર આંધી પહેલા ની શાંતિ છે….ને બાબુ એ જ્યારે પૂર્ણ પોત પ્રકાશ્યું ત્યાં સુધી માં તો જસી ત્રણ છોકરા જણી બેઠી હતી ……બાબુ એટલે એક નંબર નો લંપટ ..શરાબી ..હલકી કક્ષાનો માણસ ….! આ તો જસી ને નસીબ જોગે નોકરી મળી ગઈ …નહિ તો તેની ને તેના છોકરાવ ની શી અવદશા થાત તે વિચારે ને કાળજું થથરી જાય છે .
એક તરફ તેની તકલીફ ..વિવશતા …પર દુખ થાતું હતું અને બીજી તરફ ‘હવે બસ …’ …કહી મેદાન માં ઉતરી પડેલી જસી …આપબળે જીવી લેવાની જીદ પકડેલી જસી….એક સ્ત્રી તરીકે વરસો પછી આત્મસન્માન ભેર જીવવા નીકળી પડેલી જસી …હું જાણી ગઈ કે આજે વરસો બાદ વહેલા જસી નાં આંસુ વ્યર્થ નથી જવાના …
કાશ ..! દરેક લાચાર સ્ત્રી ની અંદર જસી જેવી ખુમારી જીવતી હોત…..
Posted by: drmayuri on: September 10, 2009
Posted by: drmayuri on: September 4, 2009
મને ખબર છે…. તને હુ ગમુ છું…!
બંધ આંખો ની પાંપણો એ હું રમું છું
મારા દરેક કાવ્યો ને તારો અહેસાસ હશે
મારા કલમ-કાગળ મા તારો આવાસ હશે
રોકીશ ના મને આમ જ ખળખળ વહેવા દે…
તારા સપનામા મારા અસ્તિત્વને રહેવા દે
આજ બુધ્ધિ અને લાગણીઓ ને લડવા દે..
તારા આંસુને મારા શબ્દો વડે અડવા દે!
આજ મને ના રોક મને કહેવા જ દે…
મારી હા ને ‘ના’ની નજરકેદમા જ રહેવા દે
બીજુ તો શું કહું ……મને પણ તુ ગમે છે…
બંધ આંખો ની પાંપણે તુ જ રમે છે.